વચનામૃત ગઢડા છેલ્લાનું - ૧૭

સંવત ૧૮૮૪ના શ્રાવણ સુદિ ૬ છઠને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને કંઠને વિષે પુષ્પનો હાર પહેર્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

  પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) શ્રીમદ્‌ ભાગવતમાં જેવું ભરતજીનું આખ્યાન ચમત્કારી છે તેવી તો કોઈ કથા ચમત્કારી નથી, કેમ જે ભરતજી તો ઋષભદેવ ભગવાનના પુત્ર હતા ને ભગવાનને અર્થે સમગ્ર પૃથ્વીનું રાજ્ય ત્યાગ કરીને વનમાં ગયા હતા. અને ત્યાં ભગવાનનું ભજન કરતાં થકા મૃગલીના બચ્ચાને વિષે પોતાને હેત થયું ત્યારે તે મૃગને આકારે પોતાના મનની વૃત્તિ થઈ ગઈ, પછી એવા મોટા હતા, તોપણ તે પાપે કરીને મૃગનો અવતાર આવ્યો, માટે અનંત પ્રકારના પાપ છે, પણ તે સર્વે પાપ થકી ભગવાનના ભક્તને ભગવાન વિના બીજે ઠેકાણે હેત કરવું તે અતિ મોટું પાપ છે, માટે જે સમજુ હોય ને તે જો એ ભરતજીની વાત વિચારે તો અંતરમાં અતિશે બીક લાગે જે રખે ભગવાન વિના બીજે ઠેકાણે હેત થઈ જાય એવી રીતની અતિશે બીક લાગે. અને ભરતજી જ્યારે મૃગના દેહનો ત્યાગ કરીને બ્રાહ્મણને ઘેર અવતર્યા ત્યારે ભગવાન વિના બીજે ઠેકાણે હેત થઈ જાય તેની બીકે કરીને સંસારના વ્યવહારમાં ચિત્ત દીધું જ નહિ, ને જાણીને ગાંડાની પેઠે વર્ત્યા અને જે પ્રકારે ભગવાનમાં અખંડ વૃત્તિ રહે તેમ જ રહેતા હવા. એટલી વાત કરીને શ્રીજીમહારાજ ઠાકોરજીની આરતી થઈ ત્યાં પધાર્યા. (૧) ઇતિ વચનામૃતમ્‌ ।।૧૭।। (૨૫૧)

રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં અમારા ભક્તને અમારા વિના બીજે ઠેકાણે હેત રહે તે અતિ મોટું પાપ છે, માટે બીજે ઠેકાણેથી હેત ટાળીને અમારે વિષે અખંડ વૃત્તિ રાખવી એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૧) બાબત છે.

         પ્ર ભરતજીનું આખ્યાન ચમત્કારી કહ્યું તે એમાં શો ચમત્કાર હશે ?

       ભરતજી રાજ્યસમૃદ્ધિ મૂકીને વનમાં ગયા એટલું બધું ત્યાગ કર્યું ને મહાતપ કર્યું તોપણ એક મૃગલીના બચ્ચામાં હેત થયું, એટલામાં ત્રણ જન્મ ધરવા પડ્યા એમ વાસનાએ કરીને મહાદુઃખ થાય છે તે વાર્તા સાંભળીને સર્વને ભય લાગે જે વાસના રાખશું તો મહાદુઃખ થાશે. અને બીજું એમને ભગવાનની સ્મૃતિ રહી તે ચમત્કારી વાત જાણવી. ।।૧૭।।